ગઝલ – દેવદાસ શાહ ‘અમીર’

Share it via

એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું?
એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું?

ફરવાનું ગોળ ભાગ્યમાં જેના લખ્યું હશે
તકદીરની ગાડી ને ગતિ હોય તોય શું?

દૂર્યોધનો જો જાંધને ખુલ્લી કરી શકે
તો દ્રૌપદીને પાંચ પતિ હોય તોય શું?

ઉદ્ધાર કરવા રામને વનમાં જવું પડે
અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?

તમને તો છે ખબર કોઈ ક્યારે થશે ચલિત
હે વિશ્વામિત્ર ! કોઈ જતિ હોય તોય શું?

ઓ કામદેવ ! આ આંખ તું ખોલી નહીં શકે
શંકરની સામે લાખ રતિ હોય તોય શું?

જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં ‘અમીર’!
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું ?

દેવદાસ શાહ ‘અમીર’

Leave a Comment

error: Content is protected !!