ગળતું જામ છે – મરીઝ

Share it via

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,

કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !

એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,

આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુ:ખતું હશે !

આમ હું માનું છુ તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,

આમ જો પુછો બહુ મોંઘા અમારા દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

1 thought on “ગળતું જામ છે – મરીઝ”

Leave a Comment

error: Content is protected !!