ગામને પાદરિયે જાન એક આવી – મુકેશ જોશી

Share it via

પાંચીકા રમતી ‘તી , દોરડાંઓ કૂદતી ‘તી, ઝૂલતી ‘તી ડાળે ,
ગામને પાદરિયે જાન એક આવી, ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી ‘તી દાદાને ચિઠ્ઠી
લખવાનું  લિખિતંગ બાકી હતું, ને મારે અંગે ચોળાઈ ગઇ પીઠી
આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ, છતાં મલકાતાં મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું, બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી, મારા બાપુનાં ચશ્માં પલાળે
મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

ઢોલ અને શરણાઈ શેરીમાં વાગિયાં ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઊગેલી કૂંપળ તોડાઈ એક તાજી
ગોરમાને પાંચ પાંચ વરસોથી પૂજ્યાં ને ગોરમા જ નાવને ડુબાડે
મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

– મુકેશ જોશી

1 thought on “ગામને પાદરિયે જાન એક આવી – મુકેશ જોશી”

Leave a Comment

error: Content is protected !!