મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.
આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,
જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ઘસારો જોઇને ગભરાઈ ગઈ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ પણ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
‘ઓજસ’ પાલનપુરી
![](https://www.kavyadhara.in/wp-content/uploads/2019/11/इस-सफ़र-में-नींद-ऐसी-खो-गई-हम-न-सोए-रात-थक-कर-सो-गई-राही-मासूम-रज़ा-1024x1024.png)