ચાલ પરણીએ – લલિત ત્રિવેદી

Share it via

કોઈ કહે કે બબ્બે થાશું, કોઈ કહે કે અરધાં અરધાં ચાલ પરણીએ.
પ્રથમ રાતની બત્તી જેવાં બની જશું કે ઝાંખાપાંખા, ચાલ પરણીએ.

ભીની ઠંડી લહર વહેશે, શ્વાસ વહેશે ઊનાઊના, ચાલ પરણીએ.
અંગો વચ્ચે હવા ભીંસાશે, સમયના થાશે પુર્ચેપુર્ચા, ચાલ પરણીએ.

કમખામાથી રાત ખુલશે, તરસી તરસી મૂછ ઊઘડશે – રૂવેરૂવાંમાં
તને સૂંઘશે રગરગ ભમરો, મને સૂંઘશે ફૂલડાં ફૂલડાં, ચાલ પરણીએ.

મેઘલ માદક રાત બનીને, એકમેક પર ચલ વરસીએ, ચાલ પરણીએ.
લોહી સોંસરા વ્હેતા રહેશું અને ડૂબશે ખૂણેખૂણા, ચાલ પરણીએ.

તારા ઘરની છતનું નભ, ને મારા ઘરની છતનું નભ ને આગ વરસતી
રગરગ બળતી શૈયા જેવી નથી જીવવું છાનામાનાં, ચાલ પરણીએ.

પ્રથમ રાતનો ઘૂંઘટ ખૂલશે, અને જણાશું ખુલ્લમખુલ્લા, ચાલ પરણીએ
કોઈ કહે કે બબ્બે થાશું, કોઈ કહે કે અરધાં અરધાં ચાલ પરણીએ.

લલિત ત્રિવેદી

Leave a Comment

error: Content is protected !!