ઝાકળની જેમ તું – જયેન્દ્ર શેખડીવાલા

Share it via

તારી હથેળી વાંચતો કાગળની જેમ હું
વંચાય છે સવારમાં ઝાકળની જેમ તું

તારા અજાણ્યા સ્પર્શથી હું મ્હેંક મ્હેંક છું
ફૂલોમાં તારા નામનો અજવાસ પાથરું

વરદાન ક્યાં ફળ્યા છે દ્રશ્ય થાવાનાં મને
અટકળ જીવંત થાય તો આંખોમાં જઇ વસું

તું ફરફરે છે લોહીમાં જ્યારે ગુલાબ થઈ
ત્યારે સ્મરણમાં થરથરે છે હોઠ ચૂમવું

પથ્થર થઈ ગયો છું તારા અભાવમાં
કંડારવાને શિલ્પ તું ઉપાડ ટાંકણું

આંખોમાં ઓગળી જતાં ઉજાગરાના સમ
તું આવ કે આ ચાંદની છે સ્વપ્ન આપણું

મળશે કદી તું માર્ગમાં તો સૂર્ય ઊગશે
અંધારું મારી આંખનું છે મારુ આયખું

જયેન્દ્ર શેખડીવાલા

Leave a Comment

error: Content is protected !!