ડૂબવાની અણી પર – ભરત ભટ્ટ

Share it via

આમ સૂર્યાસ્ત છે ઊગવાની અણી પર !
પીળાં પડછાયાઓ ભૂલવાની અણી પર !

તીર છૂટ્યું નહીં છૂટવાની અણી પર !
મૌન પાળ્યું હશે બોલવાની અણી પર !

એમ અથડાય દાંડી દીવાની અણી પર!
વહાણ તરતું રહે ડૂબવાની અણી પર !

ઝાડ થઈ જાય માણસ છતાં ડર તો રહેશે;
પંખીઓ બેસશે ઊડવાની અણી પર !

લોક જાગ્યાં નથી તો હશે ઊંઘપાંચમ ;
પર્વ છે , ઢોલના પીટવાની અણી પર !

આ સમય જાણનારા ય છે તાર જેવાં ;
તંગ થઈ જાય છે તૂટવાની અણી પર !

એક વ્યક્તિ હજી આવશે એવું માની ;
સર્વ બેસી રહ્યાં ઊઠવાની અણી પર !

 ભરત ભટ્ટ

Leave a Comment

error: Content is protected !!