તરસે (પનિહારીનું ગીત) – શિવજી રૂખડા

Share it via

ખોબાનાં નીર થયાં ખાલી,
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી.


પાણીના સેરડે પાણી કળાય નઈ ને કાળજે તરસ્યુંના કાપા,
પાણીના પગરવની પાછળ, પાછળ છે તરસના સિન્દુરિયા થાપા.


કોરી ગાગર લઈ ઠાલી,
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી.


કાળઝાળ ગરમીના ઝાળઝાળ વાયરાઓ ચારે દિશાએથી વાય,
ભીનાશે લીધો છે ભેજવટો ને ઓલ્યા વીરડામાં રેતી છલકાય,


ઝાંઝવાની આંગળી મેં ઝાલી,
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી .


સવારે સૂરજની સાખે, હું નીકળું ને આથમે છે આખોય વાટમાં,
તરસ્યુંનું નામ કોણે પાડયું મારી બાઈ ! પાછું લમણે લખ્યું છે લલાટમાં,


નજરુંને ચડી ગઈ ખાલી‌.
સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી..

શિવજી રૂખડા

Leave a Comment

error: Content is protected !!