તો કહેજો – દલપત પઢિયાર

Share it via

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધા ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એક મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારા પાછાં વળી ગયા….
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે
મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ!
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે!
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો:
એ અહીં સૂતો જ નથી!

Leave a Comment

error: Content is protected !!