થૈ બેઠા – આહમદ મકરાણી

Share it via

અમે પળને વળોટી ત્યાં જ અપરંપાર થૈ બેઠા;
લૂંટાવો તો કશું પામો; અજબ વેપાર થૈ બેઠા.

રહેવા દો બધા નુસ્ખા અને ઈલાજ શું કરવા?
અમે મજનુની માફક ઈશ્કના બીમાર થૈ બેઠા

અમારી કોઈ ગણના ના કરો, હે ગણતરીબાજો
અમે બાવનની પણ આગળ તણો શુમાર થૈ બેઠા

અમે જેવા છીએ એવા જ થૈને આમ રે’વાના;
ભલે લોકો જ ધારે કે ઘણો સુધાર થૈ બેઠા.

અમે ના ઝાડ પર ચડતા, ન કોઈ ડાળ પણ કાપી,
છતાં પણ લો, પળે પળના અમે સુથાર થૈ બેઠા

આહમદ મકરાણી

Leave a Comment

error: Content is protected !!