ચાંચમાં ખેતર લઈ ઊડી ગયું પંખી હવે,
તણખલાનું ઘર લઈ ઊડી ગયું પંખી હવે,
મેંય દાણાઓ નહીં ચણવા દીધાનો અફસોસ છે,
ગોફણો, પથ્થર લઈ ઊડી ગયું પંખી હવે.
આંગણે વરસાદ તો થંભી ગયો છે ક્યારનો,
પાંખમાં ઝરમર લઈ ઊડી ગયું પંખી હવે.
ડાળડાળોમાં હવે સોપો પડ્યો છે જ્યારથી,
મ્હેકના અક્ષર લઈ ઊડી ગયું પંખી હવે.
આ હવામાંથી ભૂસતાં જાય છે પગલાં મનીષ ,
આખુંયે અંબર લઈ ઊડી ગયું પંખી હવે.