પ્રેમનો રંગ નિરાળો,
એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળો
પ્રેમનો રંગ નિરાળો,
ભીંત વગરનું મનડું મૂકતું, આખા ઘરમાં બારી,
વાટ નિરખતા દ્વાર ઉભા‘તાં, ટહુકાઓ શણગારી,
વહાલ ભરેલું વાદળ પૂછે: કોનો છે આ માળો?
પ્રેમનો રંગ નિરાળો,
સ્મરણોને સંગાથે તેડી, દોડી આવે શમણાં,
દર્પણથી એ વાત કરાવે, જીવતી રાખે ભ્રમણાં,
બીજ અમે તો ઘરમાં વાવી, પૂનમ થઇ ગઈ ડાળો.
પ્રેમનો રંગ નિરાળો,
તમ તમારે ચિઠ્ઠી લખજો, નામ લખી ને મારું,
પતંગિયાને સોંપી દેજો, કરશો ના સરનામું,
સાત સૂરો ને સાત રંગનો, સપ્તપદી સરવાળો.
પ્રેમનો રંગ નિરાળો,
એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળો
પ્રેમનો રંગ નિરાળો.
ગૌરાંગ ઠાકર