પ્રેમળ જ્યોતિ – નરસિંહરાવ દિવેટિયા

Share it via

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ,

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ. …પ્રેમળ જ્યોતિ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. …પ્રેમળ જ્યોતિ…

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર. …પ્રેમળ જ્યોતિ…

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વે,
મારે આજ થકી નવું પર્વ. …પ્રેમળ જ્યોતિ…

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભર,
નિશ્ચે મન તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. …પ્રેમળ જ્યોતિ…

કંદર્પ ભૂમિ કળણ ભરેલી ને ગિરીવર કેરી કરાડ,
ધસમસતાં જળ કેરાં પ્રવાહો સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. …પ્રેમળ જ્યોતિ…

રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોના વદન મનોહર (મારે) હ્રદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતા ક્ષણવાર. …પ્રેમળ જ્યોતિ…   નરસિંહરાવ દિવેટિયા

1 thought on “પ્રેમળ જ્યોતિ – નરસિંહરાવ દિવેટિયા”

Leave a Comment

error: Content is protected !!