લે, મત્તુ મારવાનું હોય ત્યાં મરાવી લે
તું લેણદાર છે તો લે, બધુ લખાવી લે
તને આમે ય તે અમારી ક્યાં પડેલી છે
અધૂરાં આંસુનાં ટીપાં છે તે પડાવી લે
આજ એકાંતને તું આમ પરેશાન ન કર
તે તારી ચાંપતી નજરો જરી હઠાવી લે
અમારા જખ્મ હજુ ક્યાં ગહન ને ગૂઢ થયા
સ્હેજ સિસકારો કરી આંગળી નચાવી લે
તૂટી જવાની હદ લગી તે કોણ તંગ કરે
અમારી જીદ કે હવે થોડું રણઝણાવી લે
હવે ઝાકળની જાત પર ન કર જુલમ આવો
જરાક સાદગીથી ઘા કરી રુઝાવી લે
અમે ય તોબરો ચડાવી બંદગી કરશું
તું રહેમ કર ને ઘડી મોઢું ફૂંગરાવી લે
હરીશ મીનાશ્રુ (સુનો ભાઈ સાધો)