બેનીના કંઠમાં – મનોહર ત્રિવેદી

Share it via
મનોહર ત્રિવેદી

બેનીના કંઠમાં હાલરડાં હોય અને ચપટીમાં ઝીણકુડી ચૂંટી
ચુંદડીમાં સંતાડી રાખેલ હોય છતાં સુખડીની એક જડીબુટ્ટી


મારી નિરાંત હતી ઝાઝેરાં રુસણાં
ને એની મિરાંત બેઉ હોઠ
એક પછી એક એ તો ઠાલવતી જાય.
રુડી વારતાની વણઝારી પોઠ


ખૂટી ના વાવ એમ રાણીનાં ઝાંઝરની ઘૂઘરી ના આજ લગી તૂટી


ગાગરથી ઊલેચે તળનાં ઊંડાણ
ચડે ઠેશ મહીં ડુંગરની ધાર
પછવાડે આવીને કેડીએ નીરખ્યું
આ ફળિયાને લીલાકુંજાર


જળના ટીપાંમાં જાય મ્હોરી પતંગિયાં કે ફૂલોને પાંખ જતી ફૂટી ?


દાણાની મશે એ તો કલબલતા ચોકમાં
ખોબો ભરીને વેરે વ્હાલ
ઓચિંતા જાણે પારેવાની ચાંચમાં
મેં ઊઘડતી દીઠી ટપાલ


ઘોડે ચડીને કિયો પરદેશી આવ્યો : મારો પરીઓનો દેશ ગયો લૂંટી?
બેનીનાં કંઠમાં હાલરડું હોય અને ચપટીમાં ઝીણકુડી ચૂંટી

Leave a Comment

error: Content is protected !!