બોલે ઝીણા મોર – મનહર મોદી

Share it via

પાંપણના પોચા પલકારે બોલે ઝીણા મોર
અડધાથી પણ અડધી રાતે બોલે ઝીણા મોર

તડકો ટપલી દાવ રમે ને ઘાસ લીલું લહેરાય
આઘા પાછા કલકલ નાદે બોલે ઝીણા મોર

છલ્લ્ક છલ્લ્ક છલ છલકાવે તલ્લ્ક તલ્લ્ક તંન
મલ્લ્ક મલ્લ્ક લાખ પ્રકારે બોલે ઝીણા મોર

હું ને તું ને તેઓ સર્વે બધુ એકનું એક
માયા બોલે એમ જ જાણે બોલે ઝીણા મોર

પુરવ પચ્છમ શબ્દે શબ્દે માંડે મોટા કાન
ઉત્તર દખ્ખણ પડઘા પાડે, બોલે ઝીણા મોર

માણસ છો તો માણસ રહેને કરજો એવાં કામ
ઈશ્વર જોવા દોડી આવે, બોલે ઝીણા મોર

કોણ જગત ને કેવી દુનિયા સાચો એક જ હું
પોતે હો પોતાની પાસે, બોલે ઝીણા મોર

મનહર મોદી

Leave a Comment

error: Content is protected !!