મા મારી પહેલી મિત્ર
અને શ્રેષ્ઠ મિત્ર
અને છેલ્લી પણ
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય,
પછી લસરકો, ઉઝરડો, તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ
કે કોઈ આપણને ક્ષમા કરી દે
તે વાત જુદી
પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે,
સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે
અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને,
પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું,
આદર્શ તો પણ અતિ દોહ્યલું,
ચડસા ચડસી, હું પદ, આળાપણું,
ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા,
નખ જરાક અડી જાય,
કે લોહી નીકળ્યું જ સમજવું
હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં,
ખબે મૂકાતા હાથમાં,
બાળકો પ્રત્યેની મીટ માં,
નેજવાની છાજલીમાં,
પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે
નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી
મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય,
દેવમૂર્તિ જેમ પૂજી શકાય
પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં !
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડીયે શકાય
આપણાં હોઠો પરની દૂધિયા ગંધ,
એની છાતીમાં અકબંધ,
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય,
ભગવાનની પાસે
અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ,
(ભગવાનની યે મા તો હશે જ ને?)
ભગવતીકુમાર શર્મા