ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી – કવિ દાદ

Share it via

ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી

.       ગાર્યુ કરે ગોરા હાથવાળી;

ગોપી ચીતરી કાનુડો ચીતર્યો,

.       ચીતર્યા ગોપ ને ગોવાળી.   ભીંત્યું..

ખરબચડા જેવી તું ઊભી’તી  ખોરડે,

.       અટૂલી ને ઓશિયાળી;

ચૂડીયુંવાળા હાથે છંદાણી તું,

.       સુખણી થઈ ગઈ સુંવાળી. ભીંત્યું

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,

.       ન પેનિયું કોઈએ  નિહાળી;

પદમણી તારી દેયું પંપાળે

.       હેમ સરીખા હાથવાળી. ભીંત્યું

ધોળી રે ધૂળના છાંટા ઊડ્યા, જાણે

.       તારલે રાત અજવાળી;

ચાંદની જેમ તને ચારે દશ્યુએ,

.       ઓળીપો કરીને ઉજાળી. ભીંત્યું

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઈ,

.       લજવાણી  લાજાળી;

ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,

.       રેખાઉં હરિયાળી. ભીંત્યું

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,

.       કોણે નમાવી ડાળી;

જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં એ

.       વાતું છે વીગતાળી. ભીંત્યું

કવિ દાદ

ગામડાના એક ઘરની ભીંતને એક નવવધૂ ગાર કરી રહી છે.

જેના પગનો નખ બીજાને જોવા ન મળે એવી લજ્જાવંતી પદમણી ખડખડતી ચૂડીએ, હેમની શરણાઈઓ જેવા હાથે ભીંતના દેખને પંપાળી રહી છે. એવા રૂડા હાથોએ અટૂલી – ઓશિયાળી અને ખરબચડી ભીંતને   સુંવાળી કરી દીધી.  એના જડ-જીવનમાં કાન-ગોપીના ચિત્ર ચીતરી ભક્તિના ભાવ ભરી દીધા.

ગોરીના ગોરા મુખ અને તેના પર ઊડેલા ધોળી ધૂળના છાંટા જાણે ચાંદની રાતે તારા ઝબૂકતા હોય નહીં! વાહ, ભાગ્યશાળી ભીંત! આવા રૂપ તો ધરાઈને તું જ જોઈ શકે છે.

કામ કરવાથી પદમણીના કપાળે પરસેવો વળે છે.  હાથ ગારો ગારો ભર્યા છે. કપાળનો પરસેવો હાથ ઊંચો કરી બાંવડેથી લૂછવા  જતા માથાનું ઓઢણું સારી જાય છે, અને એ લજ્જાવંતી ઓઝપાઈ જાય છે.  એ શરમ અને શ્રમના મિશ્રિત ભાવો તો હે ભીંત! તું જ જોઈ શકી.

તારા કર્મની ડાળ નમી ગઈ. તું જડ ભીંત, તારા પર ગોરીનાં પ્રતિબિંબ પડ્યાં ને તું ચેતનવંતી – સજીવ બની ગઈ.  

Leave a Comment

error: Content is protected !!