ભોપા ભૈની ભોપાળી – પરેશ દવે

Share it via

બોલને
નાગર ગાશે
ભોપા ભૈની ભોપાળી?
પૂછી લઉં?
પૂછી લઉં નાગરને?

જેને મન વગાડે માણ જેમ
જેને ખુમારી શિરત્રાણ
જે પંડે ઉદિત ભાણ
તે અંધારાંની લોથ થઈ ગયા છે આજકાલ
જે કંતાયો છે તાર તાર
જે કેવળ કક્કાનું કિરદાર
તેથી
રોજ રોજ કંતાય ને
રોજ રોજ શંકાય
વાંચે ગેબી આંખે પંડપુરાણ
થઈ ગયો છે જે તડફડ ને તારાજ
કાગળ પર લઈ રૂદનનો ભાર
જેને સ્યાહિ ટપક્યાનો આધાર
નિરાધારને ભીનું ભીનું શું લાગે?
કયા ભવનું ગૂંમડું વતેડે નાગર તો
આભ ગાભણું થાય?
નાગરને કૈં કશું ના સૂઝે
તે કિચૂડતા કડે તેલ લઈને ઉંઝે
ને હિંચકે બેઠો હીંચે
ગાય ગભીરું ગીત
આ ઝળહળ ઝૂલ્યા રે
અંધારાં આગળ પાછળ
આ ખળખળ ખૂટ્યા રે
વ્હેંચી છળ છળ ઝાંકળ
નાગરના ઘટભીતરનો ભાવ
દીવાદાંડી જેવો થાય
દરિયો વ્હાણસોંતો ડૂબે ડબ ડબ
ભાવમાં ભાઈડો ઊલીડૂલી જાય
કરે ગેલગમ્મત ને ગેલે
સૌનાં છળ નીચે જઈ રેલે
રેલે પળનો રેલવો
પંડે જે
જળધારાનો ટહેલવો
રેલો નૈં સરસતીનો
નૈં ગંગાનો
હે મનમતિચરંતા!
દરભંગાનું ચીભડું ચાખી બોલો
તુત્તુતુ તુત્તુ તારા
તોડો ના દિલ હમારા
તુત્તુતુ તુત્તુ તારા
યે ગલીયાં યે ચોબારા
યહાં આના ના દોબારા
જમનાજલની ધારા
અહીં ભમતા સહસ્રફણાળા
અહિ ગોઝારા
તુત્તુતુ તુત્તુ તારા
તે તટનો માર્યો
ને વટનો માર્યો વંકો થઈ ગયો
વટેમારગુ નરબંકો
ના ડંકા આગળ
ના ડંકા પાછળ
ચાલે પગરખાં ઢસડબમ ઘસડબમ.
રસ્તે મારે બાલાં
નાગર વલવલીને
ઊંટ તો ચાલ્યા રણ લઈને
ઊંટ તો ચાલ્યા રણ ભરીને
ઊઠી ડમરી ડખાં કરીને
આ વટેમારગુ પાછો વળી જાય તો
એના વટનું શું થાય?
ભેંસારાગે ક્યારનો આરાડે છે ભોપાળી
હું ઊંઘનો વીંટો વાળી બેઠો છું એની સામે
ને પૂછું છું નાગર સૂઈ ગયો?
આ હિંચકો શાને કિચૂડ કિચૂડ કરે છે?
કંઈક તો બોલ નાગર.

પરેશ દવે

જન્મ તારીખ-5/9/1959.
જન્મ સ્થળ-આણંદ.
વિગત-સરકારી નોકરીમાં ,નાયબ નિયામકશ્રી(અનુ.જાતિ),ખેડા તરીકે 1917માં સેવાનિવૃત્ત.
1984માં પ્રથમ ગઝલ સંગ્રહ‘વમળ’ પ્રસિધ્ધ થયો.
આઠ લઘુનવલ પ્રસિધ્ધીની વાટ જોઈ રહી છે.

23,સ્વામીધામ,કૃષ્ણનગર સૉસાયટી,
જે.કે.પાર્કની પાછળ,
ચિખોદરા ચોકડી,મુ.ચિખોદરા.તા.જિ.આણંદ.
Email :daveparesh 1959@gmail.com
MO. No. 9723981001.

Leave a Comment

error: Content is protected !!