મકરંદ દવેની ૫ રચનાઓ

Share it via

કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંન્ક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો,
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

સોનાની તો સાંકડી ગલી,
હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!

દૂરદૂરેથી આવતું સૂણું
કોઈનું ધીમું ગીત,
લહરીએ ત્યાં ઊઠતું ઝૂલી
ફૂલ શું મારું ચિત્ત.
દૂરદૂરેથી આવતી સૂંઘું
કોઈ અજાણી મ્હેક,
મનના મારા મોરલા નાચે
ગીતની નાખે ગ્હેક.
દૂરદૂરેથી આવતાં દેખું
ઝાંખાં ઝાંખાં લોક,
બારણાં ખોલી સાદ પાડું હું
આવો ઉરને ચોક.

હાય રે, આવી દૂરની પ્રીતિ
લખી કેમ લલાટ ?
મુખ છુપાવી જાય જે નાસી
ઝૂરવું તેને માટ!

અમે રે સુકૂં રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગન ભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારા
રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ


Leave a Comment

error: Content is protected !!