મનવાજીને – મફત ઓઝા

Share it via

આ વરસાદ વરસ્યો ધોધમાર,
તોય પંડ કોરાં- ધાકોર કોને કહીએ મનવાજી….

જળમાં લાગી આગ કોણ જાણે?
ઉપર છાંટે ઝીણો છંટકાવ તોય ભડકે બળે
એને ઠારવા ક્યાંથી લાવું આગ કહીએ મનવાજી….

અંધારાં ભીતર ભરાણા
ઊડતા આગિયાને પકડવા નજરો ટૂંકી પડે
અજવાળે અજવાળે અંજળ શોધતાં થાકીએ તે કોને કહીએ મનવાજી……

આમ તો અલપઝલપ ઝીણી છાંયડી
આખું આભ એમાં સમાવી અંગ સંકોરી બેસવું
પછી શોધવો સઘળો વિસ્તાર હારી બેસવું ભલા મનવાજી….

પલાંઠી વાળી પંડની ભીતર પૃથ્વીનાં પરિભ્રમણ
ચપટીક લીધી હાથમાં એની ભવભવની પિછાણ
ખરે નહીં જરા કાંકરી કે લાગે નહીં ભીનો ભેજ અહો મનવાજી….

સમંદર સામટા ખળભળે જળની ના લાગે રે જુદાઈ
લહર પર લહર ચડે ને નાભિએ ગૂંજે રે ભ્રમર
નાદ-નિનાદ વચ્ચે બજે રે શહનાઈ સાંભરે
અખિલ બ્રહ્માંડ કહીએ મનવાજી….

આ વરસે અનરાધાર
તોય પંડ કોરાં-ધાકોર સાનમાં સમજો રે મનવાજી…..

Leave a Comment

error: Content is protected !!