મળે જો – ભાવેશ ભટ્ટ

Share it via

છું પેરવીમાં હું કોઈ અણસાર મળે જો,
કૈ આજીજી કરવાનો અધિકાર મળે જો.

દુનિયાની શીલામાંથી કોઈ શિલ્પ બનાવું,
બસ એનાં વિરહનું મને ઓજાર મળે જો.

પહેલાં તો તરત જીભને કાપી દઉં એની,
બોલે છે ભીતરમાં એ કદી બ્હાર મળે જો.

આ શ્વાસના રસ્તે પછી જાજમને બિછાવું,
અધકચરા પ્રસંગોનો કશો સાર મળે જો.

મારગમાં મળ્યા આભના બિનવારસી ટુકડા,
સુપરત કરી દઉં કોઈ હકદાર મળે જો.

સૌ પોલ ખૂલી જાય ટહુકાઓની ત્યારે,
વૃક્ષોના હવડ મૌનને ઉદગાર મળે જો.

ભાવેશ ભટ્ટ

Leave a Comment

error: Content is protected !!