મારી હુંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

Share it via

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી.

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ,
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે,
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ,
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે.

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ,
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે. – નરસિંહ મહેતા

2 thoughts on “મારી હુંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા”

  1. NarsinhMehta is known as Aadya
    Kavi of Gujarat..
    I am fane of all his Kavita.. He is Krishna Bhakt… Which represents Divya and divine appeal from all their Rachna…

    Reply

Leave a Comment

error: Content is protected !!