મેં તારા પર લે ! આ છોડયું ! – શોભિત દેસાઇ

Share it via

અને..ક્યાંથી શરૂ કરવું, મેં તારા પર લે ! આ છોડયું !
જનમવું જીવવું, મરવું મેં તારા પર લે ! આ છોડયું !

ઉછાળ્યા છે મેં રંગો અવનવા, જો ! બારીકાઈથી
ક્યા રંગોથી શું ભરવું, મેં તારા પર લે ! આ છોડયું !

તું આવે મારી સામે, આંખોથી વાતો કરે ત્યારે;
થવું મગરૂર ? કરગરવું ? મેં તારા પર લે ! આ છોડયું !

વ્યથાનું દ્રવ્ય છે આ, આમાં થોડો ભાગ તારો છે;
ખરચવું એ કે સંઘરવું ? મેં તારા પર લે ! આ છોડયું !

કહ્યું તેં તો : ‘કરી લે માર્ગ તારો પથ્થરો વચ્ચે !’
સરિતાની સમું સરવું મેં તારા પર લે ! આ છોડયું !

જીનવભરનાં કરમની ગાંસડી મેં ખોલી નાંખી છે,
છે વારો તારો, શું કરવું, મેં તારા પર લે ! આ છોડયું !

શોભિત દેસાઇ

Leave a Comment

error: Content is protected !!