રખાવટ ~ મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

Share it via

કહે, આ કેવો બંદોબસ્ત રાખ્યો છે ?
સતત હથિયાર પર તેં હસ્ત રાખ્યો છે !

અચલ ઓજસ્વી એવા સૂર્યની સાખે,
ઉદય સાથે, ધરા ! તેં અસ્ત રાખ્યો છે !

કનડગત જિંદગીની શુનું શું કરતે !
મરણ ! આભાર, તે આશ્વસ્ત રાખ્યો છે !

નવા ઘર – ભાવિ ખંડિયેર – નું વાસ્તુ?
અભિગમ ઠીક તંદુરસ્ત રાખ્યો છે !

બચાવી વલ્લરિએ લાજ ઉપવનની;
પવનને લ્હેરખીમાં વ્યસ્ત રાખ્યો છે !

હકીકતના સિતમની ફળશ્રુતિ રૂપે,
મન મેં ‘ખ્વાબ’માં અભ્યસ્ત રાખ્યો છે !

મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

Leave a Comment

error: Content is protected !!