અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે,
તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે.
નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે,
ઊઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે.
ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખ્ખત ધૂળ,
ઘણાં કહે છે કે ‘તારી નાચવાની રીત ખોટી છે.’
તમે જાણો છો, કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો ?
મને રસ્તે થયું કે ‘ભાગવાની રીત ખોટી છે.’
મને એકાંતમાં લઇ જા અને લાતે ને ઢીંકે માર,
બધાંની વચ્ચે આ ફટકારવાની રીત ખોટી છે.
કિરણસિંહ ચૌહાણ
મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !
તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !
તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !
તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !
કિરણસિંહ ચૌહાણ
સાહિત્યક્ષેત્રે ૧૪ વર્ષની સાધના પછી પ્રથમ ગઝલસંગ્રહ પ્રગટ કર્યો ‘સ્મરણોત્સવ’ (૨૦૦૪), ત્યાર પછી હઝલસંગ્રહ ‘ફાંફાં ન માર’ (૨૦૦૫) જેની ચાર વર્ષના ગાળામાં ત્રણ આવૃત્તિઓ થઇ. અને ૨૦૦૮માં બીજો ગઝલસંગ્રહ પ્રગટ થયો ‘મિજાજ’.