રોજ મંદિરનો મને ધક્કો પડે – ગૌરાંગ ઠાકર

Share it via

રોજ મારાથી મને વાંધો પડે,
તો ય મારે તો મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું પાક્કુ આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે. – ગૌરાંગ ઠાકર Happy Birthday

 

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી તુ રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસુતરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારનાં આમ કેમ બેઠા છો?
તમને આરામનો ય થાક નથી?

ગૌરાંગ ઠાકર

માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.

મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?

મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.

બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.

ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.

– ગૌરાંગ ઠાકર

Leave a Comment

error: Content is protected !!