વાણીથી ફૂલડાં ધરજો રે… હરીશ શાહ

Share it via

ભાર હ્રદયનો હળવો કરજો, દિશદિશ પ્રીત વહેંચજો રે…
ભૂલી સઘળી જૂની આહટ, આજે સહજ સમજજો રે….
વાણીનાં ફૂલડાં ધરજો રે….

સુખદુઃખની ઘટમાળ જીવનમાં, જેમ હો ભરતીઓટ,
ભલે થયાં હો સાવ અબોલા, હ્રદયથી નવ હો ચોટ.

મરણ-જીવનના કૌંસની વચમાં હેતની હેલી કરજો રે…..
વાણીનાં ફૂલડાં ધરજો રે….

ઝાલ્યો’તો જે હાથ પૂર્વમાં ફરી ફરી પકડી લો ,
અગર થયા હો ભારે હૈયા, હળવાશે જકડી લો…

ઉભય સમજના સથવારે અમરતનાં બેડાં ભરજો રે… ,
વાણીનાં ફૂલડાં ધરજો રે……

ભાર હ્રદયનો હળવો કરજો, દિશદિશ પ્રીત વહેંચજો રે.‌..
ભૂલી સઘળી જૂની આહટ, આજે સહજ સમજજો રે….
વાણીનાં ફૂલડાં ધરજો રે….

હરીશ શાહ

Leave a Comment

error: Content is protected !!