વાર લાગી (ઝૂલણા છંદ) – જવાહર બક્ષી

Share it via

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી
હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં વાર લાગી

ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો,
પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતા, ગેલતાં ગેલતાં વાર લાગી

કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની,
ટહેલતાં ટહેલતાં છે..ક પ્હોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી.

ચંદ્ર-સૂરજ વિના આમ અમને અમે ધીમે ધીમેકથી ઓળખાયા,
મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલાતાં રેલાતાં વાર લાગી.

ભૂલતાં ભૂલતાં ભાન ભૂલ્યા, પછી ઝૂલતાં ઝૂલતાં ખૂબ ખૂલ્યાં
ખૂલતાં ખૂલતાં પણ, તમારા સુધી, ફેલાતાં ફેલાતાં વાર લાગી.

આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બે’ક પ્યાલા,
ઝીલતાં, ઝાલતાં, મ્હાલતાં માણતાં, મેલતાં મેલતાં વાર લાગી.

જવાહર બક્ષી

Leave a Comment

error: Content is protected !!