વ્યોમથી વસુધા સુધી? – દીપક ત્રિવેદી

Share it via

કોણ આલિંગન કરે છે વ્યોમથી વસુધા સુધી?
કોણ પગલાં ત્રણ ભરે છે વ્યોમથી વસુધા સુધી?


એની ચુપકીદી તો આખા વિશ્વને ઊથલાવશે
કોણ જાજમ પાથરે છે વ્યોમથી વસુધા સુધી?


રોજ હસતાં,ખેલતાં આ સૂર્ય-ચંદા-તારકો
કોણ આ દીપક ધરે છે વ્યોમથી વસુધા સુધી?


ખીણ, પર્વત,ને નદી છે પ્રકૃતિની સમૃદ્ધિ તો,
કોણ ટહુકા પાથરે છે વ્યોમથી વસુધા સુધી?


ફૂલ,કળીઓ,ડાળ, પંખી, તૃણ,સંધ્યા,ને ઉષા,
કોણ લીલા આચરે છે વ્યોમથી વસુધા સુધી?

દીપક ત્રિવેદી

નામઃ દીપક ગૌરીશંકર ત્રિવેદી
વતન: જામનગર
જન્મ તારીખ: ૦૫–૦૧–૧૯૬૦
વ્યવસાય: નિવૃત્ત વ્યાખ્યાતા ,
સિવિલ એન્જિનિયરિંગ, સરકારી પોલિટેકનીક, રાજકોટ

શોખ: કવિતા લેખન અને વાંચન, આસ્વાદ.
૧૯૮૦ થી લખવાનું શરૂ થયું જે આજ સુધી નિરંતર ચાલુ છે.
કાવ્યસંગ્રહો:
૧. દરિયો ડોલ્યો સૈ…! (૧૯૯૯)
૨. ઘત્ તેરીકી (૨૦૧૭)
પ્રથમ સંગ્રહ: ગીત સંગ્રહ
બીજો સંગ્રહ: ગઝલસંગ્રહ

સંપાદકીય: ‘શબ્દશિલ્પ ‘ નામના સામયિકનું સંપાદન ૧૫ વર્ષ (૧૯૮૫ થી ૨૦૦૦) કર્યું.

સામયિક જેમાં રચનાઓ પ્રકાશિત થઈ:
કવિતા, કવિલોક, શબ્દસૃષ્ટિ, પરબ, નવનીત સમર્પણ, અખંડ આનંદ, ગુજરાત, મુંબઈ સમાચાર વિગેરે
કાર્યક્રમો: દૂરદર્શન , આકાશવાણી (રાજકોટ), અનેક કવિ સંમેલન માં કવિતાઓ રજૂ કરી, ઘણા કવિ સંમેલનમાં સંચાલન કર્યું.
વર્ષ ૨૦૧૮ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ દ્વારા સન્માનિત

મુંબઈ ‘કલાગુર્જરી ‘ સંસ્થા માં ગઝલનાં છંદ શાસ્ત્ર પર સેમીનાર કર્યો.
મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ની ગુજરાતી વિષયના અભ્યાસ ક્રમમાં કવિતા સ્વીકારાઈ છે અને ભણવાઈ રહી છે.

Leave a Comment

error: Content is protected !!