ઝાંખાપાંખા અક્ષર જેવો માણસ છે આ
શિલાલેખનાં પથ્થર જેવો માણસ છે આ
પોતાની સામે લડતો મરતો જીવતો
ભાલા જેવો, બખ્તર જેવો માણસ છે આ
વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઊગે
કોઈ સડકના ડામર જેવો માણસ છે આ
છાતીમાં ઘુમરતો ખાંસી જેવો ક્યારેક
ક્યારેક બેગમ અખ્તર જેવો માણસ છે આ
માંડ સવારે સપનાં લૈને બેઠો થાતો
રાતે રાતે કળતર જેવો માણસ છે આ
- લલિત ત્રિવેદી
(Birthdate : ૦૯ August, ૧૯૪૭)
અલગ (અન્યો સાથે) (૧૯૮૨),
પર્યંત (૧૯૯૦),
અંદર બહાર એકાકાર (૨૦૦૮),
બીજી બાજુ હજી મેં જોઈ નથી (૨૦૧૩)
‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ’ પારિતોષિક (૧૯૯૯),
‘પરબ’ શ્રેષ્ઠ કાવ્ય – કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક (૨૦૦૪),
ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૮),
“સમર્પણ” સન્માન, નવનીત-સમર્પણ, મુંબઈ, ૨૦૧૩,
“મનહરલાલ ચોકસી પારિતોષિક”, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ, સુરત, ૨૦૧૫.