મનમાં ચંપો ને મનમાં મોગરો જી રે
મનમાં ઝળૂંબે ભીનો વાન રે
દાદાજી શમણે શુકન આવિયાં રે…
પે’લા ઘમ્મર વલોણે દીઠી થાંભલી રે
પછી રમતી દીઠી રે સૈયર આંબલી જી રે
પાદર પોંખું ને પોંખું ડુંગરો જી રે
પોયણીએ પોઢ્યાં આસમાન રે
દાદાજી કુમકુમ ચોખા લાવિયા રે…
પાંપણ પલકે ને ઝણકે ઝાંઝરી જી રે
જીવમાં ખૂંચે રે મહિયર કાંકરી જી રે
કીધો કાબર કાગાએ ધજાગરો જી રે
પાંખો ફૂટી ને ફૂટ્યાં ભાન રે
દાદાજી કાગળ કોણે મોકલાવિયા રે..
રૂડી કોયલ કૂજે હો આંબા શાખની જી રે
મારી ચંદનચૂડી રે સવા લાખની જી રે
આંખે અઢળક ઢળ્યો ઉજાગરો જી રે
આવ્યાં આવ્યાં સુગંધના વિમાન રે
દાદાજી મોતી વેણે વધાવિયાં રે…
મહેન્દ્ર જોશી