શ્રુતિ પ્રગટો હવે – લલિત ત્રિવેદી

Share it via

આ સમાધિની ક્ષણો ,શ્વાસો,શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.

શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી….,
નાભિમાથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે.

ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના ….,
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી ,દ્યુતિ ! પ્રગટો હવે.

ચર્મમાંથી મર્મમાં પ્રગટું…ચરમસીમા વટું…..,
હે સકળ અખિલાઇની ગેબી સ્થિતિ! પ્રગટો હવે.

આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ…,
કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે.

– લલિત ત્રિવેદી

Leave a Comment

error: Content is protected !!