સગપણ- માધવ રામાનુજ

Share it via

સગપણ કેવા રે બંધાયાં
નહીં સોય નહીં દોરો તોયે,
કઈ રીતે સંધાયા ….


કોણે વાવ્યાં બીજ હદયની કયારીમાં માયાનાં
કોણે અંતરના અમરતથી જતન કર્યા કાયાનાં
તાણા- વાણા અલગ છતાંયે,
વસ્ત્ર બની સંધાયાં ….સગપણ……


માણસ તો ભૈ લોભ – મોહને લાલચનો છે ભારો
પણ ભીતરમાં સત્ય – પ્રેમ – કરુણાનો છે સથવારો
લાગણીઓને તારે તારે,
હૈયાં રે સંધાયા….સગપણ….

.
ઘર ઘર રમતાં હોય એમ મંડાયો છે સંસાર
આમ જુઓ તો લાખે લેખાં, આમ નહીં કંઈ સાર,
શ્રધ્ધા અને સબૂરી સાથે પ્રાણ સદા સંધાયા…..સગપણ……


આંસુના તોરણની ઓથે ઝૂરે છે બે આંખો
હૈયું છે પણ ધબકારાની વાટ જુએ છે આંખો,
ઉડી ઉડીને પંખી અંતે માળો થઈ સંધાયા….સગપણ….


કોઈ વળાવે, કોઈ વધાવે, કોઈ કરે કકળાટ ,
કેવા કેવા ખેલ ખેલાતા, કેવા ઘટતા ઘાટ,
જીવતર જેવા જીવતર સાથે સુખને દુઃખ સંધાયા …
સગપણ કેવાં રે બંધાયાં…..

માધવ રામાનુજ (૨૨-૪-૧૯૪૫) : કવિ. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ ફાઈન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑવ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડઆનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં. ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં. ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. ૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક.

નેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ ‘તમે’ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે.

Leave a Comment

error: Content is protected !!