સાજણ રહે છે સાવ કોરા – વિમલ અગ્રાવત

Share it via

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયા વરસે છે ફોરાં.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

સાજણ કરતાં તો સારું બાવળનું ઝાડ જેને છાંટો અડતાં જ પાન ફૂટે,
સાજણ સંતાય મુઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું’તો થાઉં પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર ને વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનનો વીરડો ને મારી તરસ ધોધમાર;
વરસાદી વાયરાઓ ચાખીચાખીને હવે ચાખું છુ છેલ્લા કટોરા.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.

વિમલ અગ્રાવત

Leave a Comment

error: Content is protected !!