સ્પર્શ હથેળીના – જીત જોબનપુત્રા

Share it via

સ્પર્શ હથેળીના આંખોએ કળવાના છે
સાવ અચાનક શુભ સંદેશા મળવાના છે

મેઘ બનીને ગોરંભાશે સ્મરણ તારાં
એ ઝરણાં થઈ હૈયામાં ખળખળવાનાં છે

વડવાનલ શી આગ ધખે તો માની લેજો
છાતી સરસાં શીતલ નીર ઊછળવાનાં છે

રાતવરાતે ‘ થઈ થાવાનું ‘ ઘુવડ બોલે
એમાં પાછા કાગ ઋષિ પણ ભળવાના છે

કંકુવરણી ઈચ્છાનાં પારેવાં સઘળાં
રામ ઝરૂખે બેસીને પણ રળવાનાં છે

એક સમે શિશિર કેરા સહુ રસ્તાઓ પણ
વાસંતી આ કોઈક વળાંકે વળવાના છે

જીત જોબનપુત્રા

Leave a Comment

error: Content is protected !!