હું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ

Share it via

હું ન હોઉં ત્યારે
સભા ભરશો નહીં
ન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશે
સામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીં
મારી આ વિનંતી બે કારણે છે
એક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે
(મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ)
હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ?
ક્યાંક બેસીને વાંચતો હોઉં બધું તમે લખેલું તો ?
કાળી કિનારીવાળા સામાયિકને કુરૂપ થયેલું ભાળીને અણગમો માણતો હોઉં કે,
પૃથ્વી પર નહીં તો બ્રહ્માંડના બીજા કોઈ ગ્રહમાં ક્યાંક પારણે ઝૂલતો પણ હોઉં તો ?
તમારા કશા પ્રયત્નોનો અર્થ ન સરે તેવું પણ બને.
અને બીજું, વધુ અગત્યનું અને સચોટ કારણ તો એ
કે શોરબકોર મને ગમતા નથી.
થોડાં હાસ્ય અને થોડાં ડૂસકાંના ધીમા અવાજ વચ્ચે મને જવા દો તો
સારું.
અપરિચિત, અસ્પષ્ટ, અજાણ.
જે રીતે હું અહીં આવ્યો હતો, તે જ રીતે.

Leave a Comment

error: Content is protected !!