હોઈ શકે! – જિગર જોષી ‘પ્રેમ’

Share it via

બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે!
તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે!

દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,
શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે?

પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,
પછી સિતારા બધા એના છેદ હોઈ શકે!

પલાંઠીવાળીને બેઠું છે તત્ત્વ જે – એનું
આ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે!

તમારું શ્હેર તો જાદુગરીનું શ્હેર ‘જિગર’
અહીં તો કાગડાઓ પણ સફેદ હોઈ શકે.

Leave a Comment

error: Content is protected !!