બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

Share it via

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

કવિશ્રી હેમેન શાહ વ્યવસાયે તબીબ. જન્મ તારીખ : 09-04-1957.  ત્રિપદી તેમની વિશિષ્ટતા. ‘તો દોસ્ત સંભળાવ ગઝલ’ એમની લોકપ્રિય રચના.  

1 thought on “બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ”

Leave a Comment

error: Content is protected !!