ખડકી ઉઘાડી હું તો…

Share it via

   

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી‘તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…

વિનોદ જોશી

Leave a Comment

error: Content is protected !!