ઉમાશંકર જોષી (1911 – 1988) – ચંદ્રકાંત બક્ષી

Share it via

ઉમાશંકર જોષીથી હું એટલો નિકટ ન હતો કે એક ફકરામાં ચાર વાર ‘હું અને ઉમાશંકર’ લખી શકું. એ સર્વપ્રથમ 1984માં મેટ્રિકના ગદ્યપદ્યસંગ્રહમાં મળ્યા, જ્યારે હું 15 વર્ષનો હતો. મેટ્રિકની એ અંતિમ પરીક્ષા હતી, પછી એચ. એસ.સી. આવી ગઈ. અમારે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ભણવાની હતી, અને એ કવિતા મને ગમતી હતી. હું એકલો એકલો પણ ગાતો હતો. મારો આ અવાજ બહુ સરસ હતો. ગીત બહુ સરસ હતું. ઉમાશંકર જોષી નામ પણ બહુ સરસ હતું. કદાચ પંદર–સોળ વર્ષ એ મારા મિજાજને અનુરૂપ હતું. પછી કોલેજમાં આવ્યો ત્યારે Henry Longfellow ની ‘The Arrow and the Song’ની ચાર લીટીઓ વાંચી, અને ફરીથી ઉમાશંકર જોષી યાદ આવી ગયા, ‘ભોમિયા વિના’ની લીટીઓ યાદ આવી ગઈ : એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો.. વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો…! Longfellowની ચાર લીટીઓ હતી :

(મુક્ત અનુવાદ :

મેં હવામાં એક ગીત ગાયું. એ પૃથ્વી પર પડ્યું. મને ખબર નથી ક્યાં…

કારણ કે એવી ધારદાર કોની દ્રષ્ટિ હોય છે, જે કે ગીતની ઉડાનને જોઈ શકે?)

પહેલી મુલાકાત કલકત્તામાં થઈ, મહાજાતિ સદનમાં જ્યાં અખિલ ભારતીય લેખક સંમેલન હતું. હું ધારું છું 1956-57 હશે. મારી એક વાર્તા ‘અધૂરી વાર્તા’ એમના ‘સંસ્કૃતિ’માં પ્રગટ થઈ ચૂકી હતી. કોઈએ મને મંચ પર લઇ જઇને પરિચય કરાવ્યો, સભા સમાપ્ત થઈ ચૂકી હતી. આ ચંદ્રકાંત બક્ષી…! અને ઉમાશંકર જોષીએ પીઠ થાબડી, એમને મારી વાર્તા યાદ હતી. ખૂબ સરસ હતી, એમણે કહ્યું. 1950ના દશકનાં અંતિમ વર્ષોમાં મારે માટે ખુશ થવું સ્વાભાવિક હતું, જરૂરી પણ હતું. ‘સંસ્કૃતિ’માં એ મારી પહેલી અને છેલ્લી કૃતિ હતી.

        અને 1986માં ઉમાશંકર જોષી સાથેનો કદાચ છેલ્લો અપ્રત્યક્ષ સંવાદ લંડનમાં થઈ ગયો. એ અમેરિકાથી ઈંગ્લેન્ડ આવ્યા હતા, હું ઈંગ્લેન્ડથી અમેરિકા જઈ રહ્યો હતો. હું મારા મિત્ર વિપુલ કલ્યાણીનાં ઘરમાં હતો. એક સાંજે શ્રીમતી કુંજ કલ્યાણીએ કહ્યું : આજે ઉમાશંકરભાઈનો ફોન આવ્યો હતો. તમારા વિશે પૂછતાં હતા…! મે કહ્યું : સરસ. કુંજબહેને કહ્યું : ઉમાશંકરભાઈએ કહ્યું છે કે મારા તરફથી બક્ષીને પીઠ પર એક ધબ્બો મારીને કહેજો કે હું યાદ કરતો હતો. હું હસ્યો. મારાથી બોલાઈ ગયું : કુંજબહેન, હવે ઉમાશંકરભાઈની સાથે વાત થાય ત્યારે કહેજો કે બક્ષીએ કહ્યું  છે : ઉમાશંકરભાઈને પીઠે પર જ ઘા કરવો પડે છે ?

        એ વખતે મારો એક લેખ ‘આહ ઉમાશંકર ! ઓહ લોકશાહી !’ પ્રકટ થઈ ચૂક્યો હતો. એ કદાચ નારાજ થઈ ગયા હતા. જોકે એમની નારાજગી થાય એટલો નિકટ હું ક્યારેય ન હતો. એમના પ્રિય થવાનો કોઈ હક મને હતો એવો ભ્રમ મેં જીવનમાં ક્યારેય રાખ્યો નથી. એ આવે ત્યારે એમની આસપાસ ફૂદડી ફર્યા કરવાનું, એમની કવિતાઓની પ્રશંસા કર્યા કરવાનું, ભમરડાની જેમ ગોળ ગોળગોળગોળ પ્રદક્ષિણાઓ કર્યા કરવાનું મને ક્યારેય માફક આવ્યું નથી, એવું બધું મારી તબિયતને, મારા ખૂનને, મારી ખાનદાનીને રાસ આવતું નથી. મને આપણી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે એમને માટે માન હતું, આદર હતો. ‘આહ ઉમાશંકર ! ઓહ લોકશાહી !’ લેખમાં પણ અંતિમ વાક્ય હતું “ ‘ઉમાશંકર જોષી આજે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ છે.’

        પણ કેટલાક સુજ્ઞ ગુજરાતી વાચકો એ એક આંખ બંધ કરીને વાંચી ગયા હતા. ઘણાને એક આંખ બંધ રાખીને વાંચવાની આદત હોય છે.

        ઉમાશંકર જોષીએ મને લખેલો છેલ્લો પત્ર મારી સામે છે : તારીખ 24/06/1988. ‘પ્રિય ભાઈશ્રી’.. ને એમને હિલેર બેલોક અને આલ્ડસ હક્સલી વિશે નાની માહિતી આપી હતી. શા માટે, હું એ હજુ સુધી સમજ્યો નથી, કદાચ એમણે મારા કોઈક લેખોમાં આ બેનાં ઉલ્લેખો વાંચ્યા હશે. નીચે નોંધ લખી છે : ‘આ તો તમે ઇતિહાસવાળા એટલે આટલો પોસ્ટકાર્ડી ગોકીરો.. ચિ. દીકરી અને શ્રીમતીજીને સ્નેહસ્મરણ, મિજાજ મજામાં હશે… સ્નેહાંકિત, ઉમાશંકર જોષી.’

        મેં ઉત્તર આપ્યો ન હતો.

        એમની પાસેથી હું ઘણું શીખ્યો છું.

        આ વાત કલકત્તાના એ દિવસોની છે જ્યારે કલકત્તામાંથી ‘જ્ઞાનોદય’ માસિક નીકળતું હતું અને હું હિન્દી પત્રિકાઓમાં નિયમિત છપાતો હતો. લક્ષ્મીચંદ્ર જૈન આ પત્રિકા અને પ્રતિષ્ઠાનના માલિક હતા અને હિન્દી કથાલેખક રમેશ બક્ષી ઈન્દોરના હતા, અને લેખકો અને મિત્રો સિવાય અમારે કોઈ જ સગપણ ન હતું. એક દિવસ રમેશ બક્ષીએ મને કહ્યું કે ઉમાશંકર જોષીની તને શ્રેષ્ઠ લાગે એવી દસ-બાર કવિતાઓના હિન્દી અનુવાદ મારે જોઇએ છે. તું કરી આપ …! મને આશ્ચર્ય થયું : કેમ ? ‘જ્ઞાનોદય’ માટે જોઇએ છે? એ હસ્યો : ના, ઉપરથી હુકમ આવ્યો છે…! અમે છૂટા પડ્યા. મે મિત્ર જેંતિલાલ મહેતાને કહ્યું, : ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’માંથી  તમે દસબાર કવિતાઓ પસંદ કરો… હું પણ કરું છું.! જેંતીભાઈ મારા ઘનિષ્ઠ મિત્ર હતા. આજે પણ છે. આ વાત ગોપનીય રાખવાની હતી. અમે કવિતાઓ પસંદ કરી. મેં અનુવાદો કરીની રમેશ બક્ષીને આપી દીધા.

        એ પછી ચુનીલાલ મડિયા કલકત્તા પ્રવચનો આપવા આવ્યા. અમે ઘણા નિકટ આવ્યા. એક દિવસ મે મડિયાને કહ્યું : મડિયાસાહેબ ! આ વખતે આપણાં ઉમાશંકરભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ માટે લાગે છે ! મડિયા જરા ચમક્યા. મેં અને જેંતીભાઈએ એમને બધી વાત કરી. જ્ઞાનપીઠ એવોર્ડ એ વખતે તરત શરૂ થયા હતા. મડિયાએ મુંબઈ જઈને ઉમાશંકરને કહ્યું હશે. દરમિયાન ઉમાશંકર જોષીને એવોર્ડ મળ્યો, ગુજરાત ધન્ય થઇ ગયું, અમે પણ ખુશ થઈ ગયા, અમારી ભાષાને, મારી ભાષાને ગરિમા મળી હતી.

        એવું નથી કે મારા અનુવાદોથી જ થયું હશે, પણ ક્યાંક એ પૂરા કીર્તિસ્તંભના નિર્માણમાં એક ઈંટ મૂકવાની કારસેવા કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઉમાશંકર જોષી આ દરમિયાન વારંવાર કલકત્તા આવતા હતા. બે-એક વાર આવ્યા. એક ધનપતિને ઘેર ઊતરતા. હું મારા સ્વભાવ પ્રમાણે ક્યારે એમની હાજરીમાં ફૂદડી ફરવા જતો નહિ. જેંતીભાઈ મહેતાને ઉમાશંકરભાઈએ કહ્યું કે મારે બક્ષીને મળવું છે. જેંતીભાઈએ ઉત્તર આપ્યો : બક્ષી તમે જ્યાં ઊતર્યા ત્યાં નહિ આવે ! આવશે તો મારે ત્યાં આવશે! અને ઉમાશંકર જોષી કબૂલ થયા,  જેંતીભાઈને ત્યાં મને બોલાવ્યો, હું ગયો. મે પ્રવેશ કર્યો ત્યારે ઉમાશંકર જોષીએ કહેલું પહેલું વાક્ય આજે પણ મને યાદ છે : If Mohmmad  wouldn’t have come to the mountain, mountain would have come to Mohmmad. (મહમ્મદ પહાડ પાસે ન આવત આવત, તો પહાડ મહમ્મદ પાસે જાત!)  હું તો તમારા ઘરમાં ‘ગ્રેટ-ક્રેશ’ કરવાનો વિચાર કરતો હતો ! અમે બેઠાં. બીજા સાત-આઠ માણસો હતા. ઉમાશંકર જોશીએ કે મેં અનુવાદો વિષે એક અક્ષર વાત કરી નહિ. બીજા બેઠા હતા.  અમે એકલા પડ્યા ત્યારે એમણે આભાર માનવા માંડ્યો. હું જરા અસ્વસ્થ થઈ ગયો. તમારે મને આદેશ આપવાનો હોય, આભાર માનવાનો હોય નહિ, તમે અમારા ગુરુદેવ છો.

        ઘણી સભાઓ, સંમેલનોમાં અને ભેગા થઈ જતા હતા.  એમની આસપાસ માણસો મને ગમતા નહિ. મેં એક લેખ લખ્યો હતો  : ગુજરાતી સાહિત્યમાં મહાન થવું કેટલું સહેલું છે? એ અત્યંત ચર્ચાસ્પદ લેખમાં ઉમાશંકર જેઠાલાલ જોષીના નામે પથરા તર્યા છે. જોષીએ વહાલથી ખિસકોલીઓની પીઠ પર આંગળીઑ ફેરવી છે અને લકીરો ખેંચાઇ ગઈ છે. એમણે બોર ખવડાવવા માટે શબરીઓ કતારમાં બેઠેલી છે. અમદાવાદમાં એમની આસપાસ ભક્ત વાનરોના ઝુંડ કૂદતાં રહે છે. ઉમાશંકર જેઠાલાલ જોષીની ખરી વિશેષતા તો એ છે કે એમણે જ્યારે કવિતા લખવી શરૂ કરી ત્યારે તખલ્લુસ રાખતા હતા અને એમણે કવિતા પૂરી કરી ત્યારે કવિઓ કાબરચિતરી દાઢીઓ રાખે છે. એમણે જીવનભર તખલ્લુસ કે દાઢી રાખ્યા વિના પણ મહાન કવિતા સર્જી છે.

        અમે મળતા રહ્યા. દિલ્હીમાં મળ્યા, અમૃતસરમાં પી.ઈ.એન.નું 11મુ અધિવેશન હતું, એ પ્રમુખ હતા. મારે એક પેપર વાંચવનો હતો. ડિસેમ્બર 1972ની ઠંડી હતી. એમણે બહુ સરસ પ્રવચન આપ્યું હતું, મે સોપાનના ‘અભિનવ ભારતી’માં ફેબ્રુઆરી 1973ના અંકમાં એક લેખ લખ્યો હતો, એ લેખમાંથી : રામાયણના પ્રતિનાયક (વિલન) 100 ટકા વિલનો છે, જ્યારે મહાભારતમાં વિલનોની વિલનીને પણ માત્રાઓ છે. આ વિષયનું ઉમાશંકર જોષીનું સમાપન અદભૂત હતું. મહાભારતને પ્રાચીન ભારતની આત્મકથા કહી.. સભા સમાપ્ત થઇ ત્યારે મેં ઉમાશંકર જોષીને કહ્યું કે જોષીસાહેબ, માએ ત્રણ હાથ હોત તો હું તમને ત્રણે હાથે સલામ કરત. ‘સારસ્વત’ શબ્દ ઉમાશંકર જોષી માટે એ દિવસે વિશેષણમાંથી નામ બની ગયો એવું મને લાગ્યું.

        અમૃતસરમાં ઘણા ગુજરાતી લેખકો ભેગા થઈ ગયા હતા. ઉમાશંકરભાઈએ બધાને એમની રૂમ પર બોલાવ્યા. 1972માં એ રૂમમાં ઉમાશંકરભાઈ અને એમની પુત્રી નંદિનીબહેન હતાં. ઉમાશંકર જોષીના ગોડ ચાઇલ્ડ રઘુવીર ચૌધરી હતાં હરીન્દ્ર દવે, હીરાબહેન પાઠક, રમણલાલ સી. શાહ હતાં. બકુલ ત્રિપાઠી હતા. ગુલાબદાસ બ્રોકર અને દેવળબહેન સરૈયા હતાં. મારા કલકત્તાના મિત્ર જેંતિલાલ મહેતા હતાં. હું હતો (હરીન્દ્ર દવે અને સુરેશ દલાલની જોડીમાંથી એક જ હતાં, મને સ્મરણ ચ્હે ત્યાં સુધી હરીન્દ્ર દવે હતા). અનાયાસ ચર્ચા થઈ ગઈ ગ્રીક ટ્રેજેડી પર, અને કલાક-દોઢ કલાક ચાલી, ગ્રીક ટ્રેજેડી અને નાટક વિષે વર્ષો પહેલાં મે પચાસ પાનાંનો એક  નિબંધ લખ્યો હતો, જે ‘ગ્રંથ’માં ત્રણ અંકોમાં પ્રકટ થયો હતો, ટ્રેજેડીના ત્રણ, એસ્કોલીન, સોફોકલીઝ, યુરિપીડિસ અને કોમેડીના એક, એરિસ્ટોફેનસ, એમ ચાર ગ્રીક નાટ્યકારોની 43 કૃતિઓ જ બચી છે. જેમાંથી મેં 33 જેટલી વાંચી છે, એ દિવસે ઉમાશંકર જોષી સાથે વાતો કરવાની ખૂબ મજા પડી ગઈ. વચ્ચે વચ્ચે એમનાં વિદુષી પુત્રી કઇંક બૌદ્ધિક પૂર્તિ કરી લેતાં હતાં. સ્થિતિ એવી થે ગઈ કે ઉમાશંકરભાઈ અને હું વાઓ કરતાં રહ્યા અને  ગુજરાતી સાહિત્યના ‘સેવન ડ્વોક્ર્સ’ (સાત વેંતિયા) ‘સ્નો વ્હાઇટ’ને અને મને જોતાં રહ્યા. મારા મિત્ર જેંતિલાલ મહેતા તમાશો જોઇને મલકતા રહ્યા. આ સાત લેખકો ચૌધરી, દવે, પાઠક, શાહ, ત્રિપાઠી, બ્રોકર, સરૈયાની આંખોએ કલાક દોઢ કલાક સુધી બોલ-બેરિંગની જેમ પહેલાં ઉમાશંકરભાઈ તરફ, પછી મારી તરફ ફરતી રહે, બૌદ્ધિક ચર્ચા કરવાથી આંખોને કસરત મળે છે.

    અમે બધા અમૃતસરથી આજોલ (અમદાવાદ પાસે) આવ્યા, હું પરિષદના જ્ઞાનસત્રોમાં જતો નથી પણ આટલા બધા સાહિત્યસંઘવીઓ સાથે હતા એટલે સંઘ આજોડ આવ્યો, એક પંગતમાં હું કિનારા પર જમવા બેઠો હતો અને ઉમાશંકરભાઈ બાજુમાં આવીને બેસી ગયા. હું ચમક્યો : તમે.. અહીં કેમ? એ હસી ગયા : તમારી સાથે વાતો કરવા ! મને એક દિવસ પહેલાંનું અમૃતસર યાદ આવી ગયું. મે કહ્યું : તમારી રૂમ પર બહુ મજા આવી ગઈ ! એ બોલ્યા : મજા તો આવી.. પણ પછી મારી દીકરીએ મને ધમકાવ્યો… કે તમે અને બક્ષી જ બોલતા હતા. બાકી બધાં ચૂપ હતાં ! હું ઉમાશંકરભાઈ ને જોઈ રહ્યો. મેં પુછ્યું : પછી ? એમનું સ્મિત ચાલુ હતું : મેં કહ્યું કે જેને જેટલું આવડે એટલું બોલે ! ક્યાં કોઈના પર પ્રતિબંધ હતો? અને અમને બંનેને હસવું આવી ગયું. મે કહ્યું : ઉમાશંકભાઈ ! સોફોકિલઝના ‘ઈડિપસ રેક્સ’ નાટકમાં કેઓન કહે છે ને .. I too not speak beyond my knowledge (હું મારા જ્ઞાનથી બહાર બોલતો નથી.) એ બધા સોફોકિલઝ વાંચીને આવ્યા હતા !

        એક વાર બિડલા સભાગૃહમાં ઉમાશંકરભાઈને જોયા. મળ્યો, તબિયત પૂછી, એ વખતે મારી ‘વંશ’નવલકથાની ‘ગુજરાત સમાચાર’માં જોરશોરથી જાહેરાત થઇ હતી. ગુજરાતીઓની ચાર પેઢીની ગાથા છે. ઇતિહાસ છે. એક પ્રજાની જીવની છે વગેરે વગેરે. હું ધારુ છુ કે બે-ત્રણ પ્રકરણો પ્રગટ થઈ ચૂક્યા હતાં. ઉમાશંકરભાઈઇ કહ્યું : બક્ષી ! વંશ લખવાનો તમારો વિચાર અદભૂત છે. તમે જ લખી શકશો. મેં મિત્રોને કહ્યું કે બક્ષી પહેલી વાર મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારને પણ લાવશે. જે ગુજરાતી સાહિત્યમાં હજુ સુધી આવ્યો નથી ! લાવજો !’ મે કહ્યું :તમે મારા મનને વાત કરી રહ્યા છો. ત્રણ-ચાર પ્રકરણો તો અંત સુધી રહેશે ! પછી મે પૂછ્યું : તમે આવું બધું પણ વાંચો છો ? સમય મળે છે? એમણે શો ઉત્તર આપ્યો હતો, યાદ નથી.

        અને કલ્યાણની ગુજરાતી સાહિત્ય પરિષદ, નવા નિમાયેલા મંત્રી રઘુવીર ચૌધરીએ ઉત્સાહમાં મને બોલવાનું આમંત્રણ આપી દીધું અને એક કમજોર ક્ષણે મેં એ સ્વીકારી લીધું. જનમાધ્યમો, રેડિયો, ટીવી વગેરે પર ચર્ચા હતી. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, પુરષોત્તમ માવળકર બધા જ કટોકટી વિરોધી હતા. મારે બોલવાનું આવ્યું. કટોકટીના ‘જુલ્મ’ વિષે અને ટીવીનો દુરુપયોગ વિશે જોરથી પ્રતીભાવ આપનારા કેટલા બધા મારી સામે બેઠા હતા. મેં કહ્યું : આ બધા મારી સામે બેઠા છે, આજે કટોકટીની કડક આલોચના કરી રહ્યા છે. મેં તો દર પંદર દિવસે કાર્યક્રમો કર્યા હતા. ઇન્દિરા ગાંધીના વિસ સૂત્રો પર. અને મારા કાર્યક્રમોમાં મુંબઈ શહેરમાથી કોણ નથી આવ્યું ? હું એમણે મેક-અપરૂમમાં લઈ ગયો છુ : એમના ગાળો પર રૂઝ લગાવડાવી છે; લમણા પર ગુલાબી પાઉડર ઘસાવ્યા છે. હોઠ પર લિપસ્ટિકો ચોપડાવી છે. લાઇટો નીચે બેસાડીને કટોકટીને ખુશખુશ કરીને ઘરે મોકલ્યા છે. અને જતી વખતે યાદ કરાવીને વોશ બેસિનમાં એમનાં ગુલાબી ગુલાબી મોઢાં ધોવડાવ્યા છે કે જેથી બહાર એ લોકો નવટંકિયા જેવા ન દેખાય. અને કોણે મારા પ્રોગ્રામોમાં આવવાની ના પાડી છે એ પણ મને ખબર છે ! ડૉ. ઉષાબહેન મહેતા જેવાએ ના પડી હતી, સિધ્ધાંત રૂપે. હું એમનો આદર કરું છુ. સલામ કરું છું. પણ આ લોકો કટોકટીની વાતો કરે છે. ટીવીને ગાળો બોલે છે?

        અને ભડકો થઈ જવો લાઝમી હતો. ઉમાશંકર જોષી એ દિવસે ભડકી ગયા. એ સાહિત્ય પરિષદમાં ઔરંગઝેબના આગ્રા-દરબારમાં શિવાજીએ ‘જય ભવાની’ પોકાર્યું ત્યારે જેવી ફિલિંગ થઇ હશે, કંઈક એવી જ ફીલિંગ થઈ. મે કહ્યું હતું : આ સ્ટેજ પર મારી પાછળ બેઠેલો એક પણ માણસ એક પણ મિનિટ કટોકટીના વિરોધમાં જેલમાં ગયો નથી ! ઉમાશંકર જોષીએ પણ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું ન હતું.

        એ દિવસ લાસ્યના કવિને તાંડવની ભંગિમામાં જોયા. પણ ઘણા સમય બાદ એક દિવસ ઉમાશંકર જોષીનો ફોન આવ્યો : હું ઉમાશંકર જોષી બોલું છું ! અને એમણે વાત કરી. ‘સંસ્કૃતિ’માં ગુજરાતી લેખકો-કવિઓના સર્જનને આત્મકથાઓનું સંકલન કરી રહ્યો છું. તમારી આંતરકથા જોઇએ ! મેં કહ્યું : બક્ષી વિના જ એ વિશેષાંક કાઢી નાખો, કારણ કે મને સ્વયં એમાં બહુ રસ નથી. મારા મરી ગયા પછી એક મિનિટમાં હું ભુલાઈ જઉં તો મને ઇનો બિલકુલ રંજ નથી. ઉમાશંકરભાઈના અનુરોધમાં જરા પણ ફર્ક પડ્યો નહીં : પણ ભવિષ્યની પેઢીઓને છે. અને તમારા વિના આંતરકથા ખાલી લાગશે. મે કહ્યું : તમને બીજા એકસો બક્ષીઓ મળી રહેશે. સામેથી હસવાનો અવાજ આવ્યો : ના, બક્ષી એક જ છે, અને એ એકની જ કથા મારે જોઇએ છે, હું અમદાવાદથી પાછો આવીશ, તમને ફોન કરીશ, તૈયારી રાખજો ! અને અમારે તબિયતની વાતો થઈ. હું સ્કૂલમાં મેટ્રિકમાં એમની કવિતા ભણ્યો હતો એ વાત થઈ.

        ફરીથી એમનો ફોન આવ્યો, મહિના પછી. મેં કહ્યું : તમે મારા વડીલ છો, હવે મને સારું લાગતું નથી. હું જરૂર મોકલીશ અને સમયસર એટલે કે સાત દિવસમાં લેખ અમદાવાદ પહોંચી જશે. એમણે કહ્યું “ મને ખબર છે, તમે બહુ ઓર્ગેનાઇઝ્ડ માણસ છો ! હું હસ્યો :  પેટ માટે લખું છું. પેટ માટે લખનારે ઓર્ગેનાઇઝડ રહેવું જ પડે છે.

        છપાયું, ‘ઉમાશંકરે એના છેલ્લા લેખમાં ફક્ત તમારામાંથી અવતરણ આપ્યું છે.’ શિવકુમાર જોષીએ કહ્યું. મને તો આ બધાનું ખાસ મહત્વ પણ ન હતું. કહ્યું, લખ્યું, ગમ્યું, છપાયું, બસ. પણ શિવકુમાર ગદગદ થઈ ગયા હતા.

        અને પછી એમણે 11,000 રૂપિયા ગુજરાત સાહિત્ય અકાદમીના પાછા ફર્યા. મેં ‘આહ ઉમાશંકર, ઓહ લોકશાહી!’ લખ્યું. તીવ્ર પ્રતિક્રિયાઓ આવે ગઈ. આ ધંધો અમારા જેવા કલંદરોનો હતો, અને 75 વર્ષે આ એમણે કરવાનું ન હતું. એ લેખમાં મારી બધી જ ઝેરી કડવાશ છે, 1952-1953ના ‘સંસ્કૃતિ’ના અંકો (ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 1952, ફેબ્રુઆરી 1953, નવેમ્બર 1962) અને 1962માં એમનાં વિધાનો, એમનાં વકતાવ્યો, કવિતાઓમાં સામ્યવાદી ચીનની ભરપૂર પ્રશંસા છે. એને પી.એ.એન. ના ઓક્ટોબર 1970ના અંકમાં એમની જ સહીવાળો લેખ છે, જેમાં ફોર્મોસોમાં ચ્યાંગ કાઇશેક અને માદામ ચ્યાંગની ટી પાર્ટીમાં એમણે હાજરી આપી હતી. એ વિશે લખાણ છે. જે કલાકાર નમ્ર રીતે રહસ્યમય છે, કમથી કમ મને સમજાતા નથી, સાહિત્યના વિશ્વમાં દરેક તર્કના પ્રતિતાર્કિક ઉત્તરો આપવાને બદલે તર્ક કરનાર ખરાબ  છે એવું સતત કહ્યા કરવાથી શું સિધ્ધ થાય છે ? લોકોની લોકશાહી અદાલતમાં હકીકતોનો હકીકતોથી જ પ્રત્યુત્તર આપી શકાય છે.

        ઉમાશંકર જોષીની વિદાય ગુજરાતી સાહિત્યમાં કોહરામ મચાવી ડે એવી એક ઘટના હોવી જોઇએ. એ ટાગોર કે ઇકબાલની જેમ એક પૂરી ભાષાના પિતા બની શક્ય નહીં. એમની સૌથી મોટી ત્રુટિ શી હતી ? એ ગુજરાતી સાહિત્યના કૃષ્ણ ન બની શક્યા, એ ફક્ત ધૃતરાસ્ટ્ર બનીને રહી ગયા, મમકાઃ અને પાંડવા: ની એમની ચિંતા રહી હતી. કદાચ અમદાવાદના સાહિત્યનો સામંતી માહોલ એ માટે જવાબદાર હશે. કદાચ એમની આસપાસના જવાબદાર હશે.  ગાંધીજીની આસપાસ જ ફરફર કર્યા કરતાં અંતેવાસીઓ માટે સરદાર વલ્લભભાઈ પટેલ મજાકમાં ‘સાપોલિયા’ શબ્દ વાપરતા હતા. સરદારની મજાક પણ કરવતની ધાર જેવી કર્કરી તીક્ષ્ણ રહતી હતી. કદાચ ઉમાશંકર જોષીને પણ એ સાપોલિયાંના ઘેરમાં જ રહેવું પડ્યું હતું. અને એનાથી એમની પ્રતિભા ઓછી થતી નથી, ફક્ત વ્યક્તિત્વ થોડું ઝાંખું પડે છે.

        ભક્તોએ એમને મૂર્ધન્યવાળા બનાવી દીધા છે. જો આ રીતે ચાલ્યું તો મૂર્ધન્ય એમનું નામ બની જશે. અને ઉમાશંકર એમના પિતાનું નામ છે એમ કોન્વેંટિયા ગુજરાતી પેઢીઓ સમજી બેસશે. ઉમાશંકર જોષીની પ્રશંસા કરવાની એજન્સી કે સોલ સેલિંગ રાઇટ્સ કોઈને અપાયા નથી, એ ગુજરાતી પ્રજાના અને ભાષાના વીસમી સદીના મનીષીઓ-કલાકારોમાં ઉચ્ચ આસન પર આસિન છે જ. પણ ક્યાંય ‘ઓવરકિલ’નો દોષ આવી જાય છે. દ્રષ્ટાંત રૂપે, શિરીષ પંચાલ અંજલી આપતાં લખે છે : “ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી આ છએ ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ હતું. આવી અનેકમુખી પ્રતિભાઓ ધીમે ધીમે વિલય પામી રહી છે. આજે તો હરિવલ્લ્ભ ભાયાણી સિવાય ગુજરાતમાં આવી પ્રતિભા ધરાવનાર કોઈ રહ્યું નથી.’ પછી એમણે દહીમાં પગ મૂકતાં લખ્યું છે કે ‘જમાને જમાને પેઢીએ પેઢીએ એવી પ્રતિભાઓની દીર્ઘકાલીન પરંપરા હોવા છતાં વર્તમાન નિરાશાજનક લાગે છે.’

         સૌથી મોટી તકલીફ ભાવિકો-અનાથોનાં મૂલ્યાંકનો આપે છે, ઉમાશંકર જોષી છ ભાષાઓ જાણતા હતા, સારું છે કે શિરીષ પંચાલને ખબર છે કે ચંદ્રકાંત બક્ષી નામનો એક ગુજરાતી લેખક આ છ અને સાતમી ઉર્દૂ ભાષા પણ જાણે છે, વાંચે છે, લખે છે ! કાલે આપણે જાણતા નથી એવો કોઈ યુવા ગુજરાતી લેખક હિમ્મતનગર કે માંડવી કે રાજુલામાંથી નીકળી શકે છે જે આઠ ભાષાઓ જાણતો હશે !’ હવે કોઈ રહ્યું જ નથી’ જેવાં આત્યંતિક વિધાનો કરી નાખવાથી હરિવલ્લ્ભ ભાયાણીની ઊંચાઈ એક ઇંચ વધારવાનો આશય હોય તો આપણને કોઈ જ અસુવિધા નથી પણ ઉમાશંકર જોષી પછી ઘોર અંધકાર ફેલાઈ ગયો છે એવું હું માનતો નથી. એમનું પૂરું જીવન પ્રકાશનો પૈગામ છે.

        અને ગુજરાતી ભાષા અને સાહિત્યનો એક યુગ, ખરેખર, સમાપ્ત થયો છે. એક આશિકની જેમ ઉમાશંકર જોષીએ ભાષાને 77 વર્ષો સુધી પ્યાર કર્યો, આપણી આ ભાષાને એવી ઊંચાઈઓ પર મૂકી જેવી એણે ક્યારેય જોઈ ન હતી. વકતા તરીકે એ અદભૂત હતા. જ્ઞાની તરીકે એ અદભૂત હતા. ગીતાના ‘તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠતા’ (એની બુધ્ધિ સ્થિર છે) શબ્દપ્રયોગને ઉયયુક્ત એમનું વિચારજીવન હતું. આ રીતે જ સમર્થ કલાકાર જીવી શકે, હમણાં જેસી જેક્સને એમના ગુરુ માર્ટિન લ્યૂથર કિંગનાં 60મા જન્મદિવસ નિમિત્તે આપેલી ભાવાંજલિ સ્વર્ગસ્થ ઉમાશંકર જોષી માટે આપી શકાય છે. જેસી જેક્સને કહ્યું “ માર્ટિન આપની સાથે નથી, પણ એનું દ્રષ્ટાંત છે, એમાથી આપણે શીખવું જોઇએ, અનુસરવું જોઇએ. બહાર અંધકાર જામી જાય છે ત્યારે જ તારાઓ સૌથી વધારે ઝળહળે છે. માર્ટિન આપણો તારક છે, જે આપણા રાષ્ટ્રને માટે ચમકી રહ્યો છે.

  • લેખક ચંદ્રકાંત બક્ષી

(ગુજરાતી જ્ઞાનવિજ્ઞાન શ્રેણી – ગુજરાત)

પ્રાપ્તિસ્થાન

નવભારત સાહિત્ય મંદિર

(www.navbharatonline.com)

Leave a Comment

error: Content is protected !!