મૃત્યુ મારું પોતાનું હતું

Share it via

એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું.

હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,
મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને  તો  જીવનભર  તરસવાનું   હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’,  જાણે કે  મૃત્યુ મારું  પોતાનું  હતું.


જલન માતરી

Leave a Comment

error: Content is protected !!