હું નથી – ભગવતીકુમાર શર્મા

Share it via

તારા વિના જે પાંગરે તે ક્ષણમાં હું નથી
કર્તા કે કર્મ, કાર્ય કે કારણમાં હું નથી

ઊછરે છે લાગણીનું એક આકાશ છાતીએ
લોહીનાં બે’ક બિન્દુના સગપણમાં હું નથી

સંકોચ શૂન્યમાં અને નિ:સીમમાં વિકાસ
શોધો મને ન વ્યર્થ કે બે-ત્રણમાં હું નથી

હું ગદ્ય છું કો બાળકથાનું સરળ, સહજ
‘કિન્તુ’, ‘પરન્તુ’, ‘તે છતાં’ કે ‘પણ’માં હું નથી

હું છું અહીં ને દૂર છે મારી હૃદયધબક
ખૂણે પડી સિતારની રણઝણમાં હું નથી

અવસાદથી અલિપ્ત ને આનન્દથીયે દૂર
શ્રાવણમાં હું નથી અને ફાગણમાં હું નથી

ભગવતીકુમાર શર્મા

Leave a Comment

error: Content is protected !!